મૂળ લેખક ‘પ્રમથ’નો સચોટ (અને સ-ચોટ) લેખ. પ્રમથ વિષે વધુ - ક્લિક કરો.
લેખનો મૂળભૂત સ્રોત : અહી
ગુજરાતમાં કોંગ્રેસ જીતતી કેમ નથી?
નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી તરીકેની કારકિર્દી દૂધે ધોયેલી નથી. તે છતાં નરેન્દ્ર મોદી હારતા કેમ નથી?
ખરેખર એ પ્રશ્ન ખોટો છે. સાચો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ જીતતી કેમ નથી?
ફૂટ તો ભા.જ.પ.માં પણ કોંગ્રેસ જેટલી જ છે. આથી આંતરવિગ્રહ તે કોંગ્રેસની હારનું કારણ નથી.
ગુજરાતને કોમી રમખાણોનું લગભગ વ્યસન હતું – અને છેલ્લા રમખાણો પછી જન્મનારું બાળક અત્યારે દસ વરસનું હશે. આથી “મોદીએ સતત ભડકાવેલો કોમવાદ” પણ બહુ સાચું કારણ લાગતો નથી.
સત્ય ૧: મારે મતે કોંગ્રેસ ગુજરાતમાં જીતવા વિષે ગંભીર જ નથી. તમે કહેશો કે કોંગ્રેસ જાણી જોઈને નથી હારી. હું માનવા તૈયાર નથી.
એક વાત તો પાકી કે હારવું કોઈને ગમતું નથી. એમાં પણ જેને પ્રતિસ્પર્ધીની જગ્યાએ દુશ્મન ગણીને ભાંડ્યો હોય તેવા નરેન્દ્ર મોદીની સામે હારવું તો કોંગ્રેસને ન જ ગમવું જોઇએ. છતાં પણ કોંગ્રેસ હારી શા માટે?
ભાઈ, રાહુલ ગાંધીને ચૂંટણીઓ જીતવાથી વધુ મહત્ત્વનું કશું કામ છે કે? ના. તો પછી બિસ્તરા-પોટલાં લઈને ગુજરાતમાં ધામા કેમ ન નાખ્યા? મુખ્યમંત્રી મોદીથી સવાસો સભા થાય તો રાહુલ ગાંધીથી અઢીસો સભાઓ થઈ શકે. પણ કરી કેમ નહીં? કેમ સોનિયા ગાંધીએ ટ્વીટર પર સામો મારો ન ચલાવ્યો? રોતા જઈને મસાણની ખબર લાવવાનાં આ લક્ષણો પોસાય છે કઈ રીતે?
ખરેખર ગુજરાતને મોદીને હવાલે કરવામાં કોંગ્રેસને જ ઊંડા ફ઼ાયદા છે. આ રહ્યું તે લિસ્ટ:
- છવીસ સીટ વિરુદ્ધ સિત્તેર સીટ
ભારતમાં કોમવાદનાં મૂળ ઊંડાં છે. લોકસભામાં ગુજરાતની છવીસ સીટો છે અને સિત્તેર સીટો મુસ્લિમ પ્રભુત્વવાળી છે. ગુજરાતને હિન્દુવાદીઓને હવાલે કરી, ગુજરાત બહારના મુસ્લિમોને મોદી/ભાજપ/હિન્દુવાદનો ભય જીવતો રાખવાથી એ સિત્તેર સીટો જીતવું આસાન છે. માનો કે એ સીટોમાંથી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, મજલિસ-એ-ઇત્તહાદ-ઉલ-મુસલમીન, સમાજવાદી પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ અને નેશનલ કોન્ફ઼રન્સ જેવા પક્ષો થોડી ઘણી લઈ જાય, તો પણ કોંગ્રેસને ભાગે આવતી સંખ્યા છવીસથી વધુ છે. આથી ગુજરાતને હિન્દુવાદને હવાલે કરી, ભય જીવતો રાખી, બાકીની સીટો કમાવાનું કોંગ્રેસને આંકડાકીય ફ઼ાયદામાં છે. ગુજરાતના મુસલમાનો ચિરંજીવી રહે અને ચિથરાં વીણે તેમાં કોંગ્રેસને કશું નુક્સાન નથી.
- ટેકો/મત આપ નહીં તો નરેન્દ્ર મોદી/ભાજપ/હિન્દુવાદનું ’બાઉ’ કરડી જશે
એ જ રીતે, એક વાર ભાજપ નબળો પડ્યો તો પુનઃ પ્રતિકોંગ્રેસવાદ માથું ઊંચકે તેમ છે. નાના પક્ષોનો ટેકો ચાલુ રાખવા અવારનવાર ભાજપ/હિન્દુવાદનો ભય બતાવવો તે કોંગ્રેસના ફ઼ાયદામાં છે. વળી, એ જ ભય જોવો તે નાના પક્ષોના પણ ફ઼ાયદામાં છે. જ્યારે પણ મતદાતાઓના અણગમતા ઠરાવો પસાર કરવામાં કોંગ્રેસ ટેકો માગે કે ખરીદે ત્યારે નાના પક્ષો પોતાના મતદાતાઓને ભાજપ/હિન્દુવાદનો બાઉ બતાવી દે છે.
- વિકાસની અભિલાષાને કટ્ટરવાદ સાથે જોડવાનો ફ઼ાયદો
આર્થિક સુધારાથી મધ્યમ વર્ગ વધ્યો છે. કર્નાટક-આંધ્રમાંથી તો લાખોની સંખ્યામાં યુવાનો વિદેશ ગયા/જઈ આવ્યા છે. આથી ઉચ્ચતર જીવનધોરણની અભિલાષા વધતી ચાલી છે.
ગુજરાતમાં બેઠાં, ચોવીસ કલાક વીજળી અને સમારેલા રસ્તાઓને ભોગવતાં મોદી શાસનને ગાળો ભાંડવી સહેલી છે. છેલ્લા વીસ વરસથી હું ગુજરાત બહાર રહું છું અને જાણું છું કે ભારતના બાકીના ભાગોમાં શી સ્થિતિ પ્રવર્તે છે. સરેરાશ ભાજપ શાસિત રાજ્યોમાં કોંગ્રેસ કે ત્રીજા મોરચા દ્વારા શાસિત રાજ્યો કરતાં માળખાંગત સુવિધાઓ બાબતે સારી સ્થિતિ પ્રવર્તે છે.
આ ધૂંધવાટ ભાજપ તરફ઼ી મોજું ન બની જાય તે માટે ભાજપને કોમવાદી પરિપ્રેક્ષ્યવાળા ગુજરાત સાથે જોડી રાખવો જરૂરી છે. આથી જો સતત “Mango people in the banana republic”ના માનસમાં ભ્રમ ઊભો રાખી શકાય કે વિકાસ કોમવાદ વિના શક્ય નથી તો રાહુલ ગાંધી/રોબર્ટ વાડરા, જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિન્દ દેવરા, જગનમોહન રેડ્ડી, સ્ટાલિન કરુણાનિધિ, કણ્ણીમોળીની યુવરાજ પેઢીનાં રાજ અમ્મરિયાં તપવાનાં છે અને વિકાસ સ્વીસ બેંકોનાં ખાતાં માત્રનો થવાનો છે.
ગુજરાત ન જીતીને આટલો બધો ફ઼ાયદો થતો હોય તો ભલેને શંકરસિંહના, શક્તિસિંહના અને મોઢવાડિયાના મોંએ મેંશ લાગતી! કોને પડી છે યુવરાજોમાંથી? દીધે રાખો બહાનાં ચિદંબરમ્ જેવાં કે કોંગ્રેસ ગુજરાતમાં જીતી જ કહેવાય!
સત્ય ૨: નરેન્દ્ર મોદીનો એકધારો અપપ્રચાર નરેન્દ્ર મોદીને ફ઼ાયદો કરી રહ્યો છે. જે રીતે કોંગ્રેસે રાજીવ ગાંધીને એકધારા ઉજળી છબિમાં દૂરદર્શન પર બતાવીને વિશ્વનાથ પ્રતાપ સિંઘને આડકતરો ફ઼ાયદો કરી આપ્યો હતો તેવો આ ઊંધી બાજુનો દાખલો બેસી રહ્યો છે. કોંગ્રેસી નેતાઓ અને એમના ખરીદેલા પત્રકારોની “વાણિયા સાથે લડાઈ એટલે ગોળ પણ કડવો” જેવી વાહિયાત અને એકધારી વાગ્ધારાથી, અને કોંગ્રેસના અવિરત છબરડાઓથી અંગ્રેજી પ્રસાર માધ્યમોમાં મૂંગો દેખાતો નરેન્દ્ર મોદી બાકીના દેશને વહાલો લાગવા મંડ્યો છે. કોંગ્રેસે આવતા પાંચ વરસ મોદીને અવગણવાની જરૂર છે.
સત્ય ૩: વદતોવ્યાઘાત જેવી વાત એ છે કે માત્ર ઓળખના આધારે ચૂંટણી જીતવાના દિવસો પૂરા થઈ ગયા છે એ વાતને પોતાને હિન્દુ હૃદય સમ્રાટ ગણાવતા મોદી જાણી ગયા છે પણ કોંગ્રેસ નથી જાણી શકી. દુઃખનું ઓસડ દહાડા હોય તો મુસ્લિમોને એ દુર્ભાગ્યપૂર્ણ રમખાણોની માત્ર યાદ દેવડાવે રાખી પહેલી વાર જેટલી સીટો જીતી શકાય તેનાં કરતાં બીજી વખત ઓછી જ જીતી શકાય તે સ્પષ્ટ વાત કોંગ્રેસમાં કોઈ બોલવા તૈયાર નથી લાગતું. ન તો કોંગ્રેસની સરકાર મોદીને તકસીરવાન સાબિત કરે છે અને મુસ્લિમોના વોટ પામે છે, ન તો ટ્રેઇનના બાળનારાને પકડીને હિન્દુઓના વોટ મેળવવાની ચેષ્ટા કરે છે.
સત્ય ૪: ગુજરાત ગ્રામ્ય નથી રહ્યું. જાતિઓ હજુ ભાગ ભજવે છે. છતાં ૨૦૦૭ની ચૂંટણી સમયે મોદીની conservative નીતિઓને ભાંડતા સમાચારોની બાજુમાં હાલારના ખૂણામાં પડેલા જામકલ્યાણપુર તાલુકાના એક સમાચાર હતા. રોડ અકસ્માતમાં મોટર સાયકલ પર ત્રણ સવારી જઈ રહેલા ત્રણ મિત્રો મૃત્યુ પામેલા. એ ત્રણે એમાંના ડ્રાયવરની કંકોતરી દેવા બાજુના ગામે જતા હતા. ડ્રાયવર બાવાજી (ગોસ્વામી) હતો, બીજો મિત્ર મુસલમાન હતો અને ત્રીજો બ્રાહ્મણ હતો. લગ્ન આંતરજ્ઞાતીય હતાં. બિચારી કન્યા! મને નથી લાગતું કે ગુજરાત વિષે કોંગ્રેસમાં જ્ઞાતિ સમીકરણોથી આગળ કોઈ ચિંતન થયું હોય. બિચારી કોંગ્રેસ!
સત્ય ૫: ગમે કે ન ગમે, ગુજરાતની નૈતિક (અધો?)ગતિ જોતાં આગળ જતાં એ ઓગણીસમી સદીના યુરોપની જેમ ગુજરાતીઓને નફ઼ો સર્વોપરી લાગે છે. આગળ જતાં ગુજરાત સંસ્થાનવાદી બનશે જ. એને જીતવા હવે એના લોભને પંપાળવો જરૂરી છે. ગુજરાતીઓ સૂત્રાત્મક, આદર્શવાદી રાજકારણથી આકર્ષાતા ક્યારનાય બંધ થઈ ગયા છે. અરે, સુરતના ગુજરાતીઓએ પોતાના હિતની રક્ષા માટે આફ઼્રિકામાં બ્લડ ડાયમંડનાં આંતરયુદ્ધોમાં પૈસા રોક્યાના આક્ષેપો થઈ રહ્યા છે. અત્યારે મોદીના આધારે ફાટફાટ થતી ગુજરાતી બજારને મનાવવા કોંગ્રેસે નક્કર મૂડીવાદી ઢંઢેરો બહાર પાડવો પડે તેમ છે. કોંગ્રેસ એ કરતી નથી. એની પાછળ બાકીના ભારતમાં એની છબિની પણ એને ચિંતા હોઈ શકે. આથી માત્ર બિનસાંપ્રદાયિકતાના આધારે મળે તેટલા મત મળે, સત્તા મળે તેમ નથી.
સત્ય ૬: આખા દેશની નબળામાં નબળી કડી છે પાયાગત સુવિધાઓ. એ બાબતે મોદીની આગેવાનીમાં ગુજરાતે મેદાન મારેલું છે તે બાબતે બે મત ન હોઈ શકે. જો આ બાબતે શંકા હોય તો મારે ઘરે આવી વાત કરજો. બેંગળૂરુ સ્ટેશનથી પચીસ કિલોમિટર આવવામાં ત્રણ કલાક લાગશે. આ મુદ્દે જીતવું હોય તો કોંગ્રેસે ગુજરાતથી વધુ સારી સુવિધાઓ ધરાવતું કોંગ્રેસશાસિત રાજ્ય બતાવવું પડે. એવું કોંગ્રેસની પાસે એક જ રાજ્ય છે – દિલ્હી. તો શીલા દીક્ષિતને ગુજરાતના પ્રચારના રણમેદાનમાં ઉતારવા પડે. માનો કે શીલા દીક્ષિતના ઝંડા નીચે કોંગ્રેસ હારી તો તો પાણીવલોણું થયું જ. પણ જો જીતી તો શીલા દીક્ષિતનું કદ અચાનક વધી જાય – અને સોનિયા ગાંધીને પડકાર ઊભો થાય. એ કોંગ્રેસના મૂળભૂત નહેરુ-ગાંધી વંશાનુગત શાસનના મોડેલને નડે છે.
આમ, કોંગ્રેસે ગુજરાતમાં જીતવું હોય તો આ કરવું રહ્યું:
1. નરેન્દ્ર મોદીનો એકધારો અપપ્રચાર કરવાનો બંધ કરવો અને એમને તદ્દન અવગણવા – સરકારી માધ્યમોમાં અને પોતાની ખરીદેલી ચેનલોમાં
2. મુસ્લિમોને (અને હિન્દુઓને અને બીજાં બધાંને) રમખાણોના ન્યાય ઝડપભેર અપાવી, સાચા મૂડીવાદમાં જોતરવા
3. ગુજરાતમાં જાતિવાદ હજુ પણ ફળશે તે વાંઝણી આશા મૂકી, બીજું કશુંક હાથમાં લેવું
4. ગુજરાતને સમજે તેવો ગુજરાતી નેતા વિકસાવવો, જે મૂડીવાદી બાબતોમાં ભલે હાઇકમાન્ડને શિંગડાં ભરવે
5. ગુજરાતમાં કે દેશમાં શીલા દીક્ષિતને મોદીની સામે રજૂ કરવાં અને સોનિયા ગાંધીને આ દ્વંદ્વથી ઊંચાં ચિતરવાં. રાહુલ ગાંધીને શીલા દીક્ષિતના અને મોદીના રિટાયર થવા સુધી સમય આપવો
ઇતિ.
તમારા જેવા યુવાનોની ભારતની પ્રજાને જરુર છે. હવે ખર્યા પાનને ખેરવો અને ઝંડા ફરકાવી દો.
આભાર અંકલ. દુર્ભાગ્યે લેખન-જગત કાવા-દાવા અને અતિ રાજકીય ‘ઇન્ક્લીનેશન’થી પર નથી રહ્યું. અંગત આક્ષેપો એ લેખન ના લખણ બની ગયા છે.
[...] વાંચવા માટે અહી ક્લિક કરો You may also like: ગુજરાતમાં કોંગ્રેસ જીતતી કેમ નથી? ઓબામા અને રોમ્ની : આખરી પડાવ નોખા [...]